હું તને મળવા
ભલે આ દેહ છૂટે, પણ મરીને હું તને મળવા,
બનીને મેઘ, આભેથી ઝરીને હું તને મળવા.
કતારો છે ઘણી લાંબી, વિઝાની ભીંત ઊંચી છે,
ભલે સાતે સમંદર હો, તરીને હું તને મળવા.
હવે ઘરડો થયો છું, ડાળ પણ ઝાલે નહીં મુજને,
બનીને પાન પીળું, લે, ખરીને હું તને મળવા.
નજરથી દૂર છું તોયે પલકની પાછળે બેઠો,
બનીને આંસુ, ગાલેથી સરીને હું તને મળવા.
‘પરાગે’ જાતને વેરી હવામાં ફૂલની માફક,
સુગંધો શ્વાસમાં આખી ભરીને હું તને મળવા.
– પરાગ રતનપરા
#ગઝલ #મિલન #પ્રતીક્ષા #પરદેશ #અમરપ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #EternalLove #Reunion #Diaspora #BeyondDeath #ParagRatanpara