હોય છે
હર તરફ દરિયો ભલે, તો પણ કિનારો હોય છે,
ઘોર અંધારે ય નભમાં એક તારો હોય છે.
ડૂબનારાને તણખલું પણ બને છે નાવડી,
આ જગતમાં એ જ તો સૌનો સહારો હોય છે.
વાત કરવી હોય તો ક્યાં શબ્દની પડતી જરૂર,
એક આંખોનો નરમ, મીઠો ઇશારો હોય છે.
મંદિરે, મસ્જિદ મહીં, ગિરજાઘરે ગ્યા, ક્યાં હતો?
મા તણા ખોળે જ એનો તો ઉતારો હોય છે.
છો હવા સાથે ભટકતો હું રહું, તોયે ‘પરાગ’,
ફૂલ ખીલે, ત્યાં જ મારો પણ ગુજારો હોય છે.
– પરાગ રતનપરા
#ગઝલ #આશા #શ્રદ્ધા #સહારો #અધ્યાત્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #Hope #Faith #DivineInMother #NeverAlone #ParagRatanpara