હૂંફ ક્યાં?
રેશમી છે ગાદલાં, પણ ધાબળામાં હૂંફ ક્યાં?
ઝુમ્મરો ઝળહળ થયા, પણ ઓરડામાં હૂંફ ક્યાં?
આગ તો ભડકે બળે છે રાત આખી રોજ, પણ
જો નથી વાતો, પછી એ તાપણામાં હૂંફ ક્યાં?
ગામ છોડી ફ્લેટમાં આવેલ પંખી પૂછતું:
કાચની આ ભીંત વચ્ચે, પાંજરામાં હૂંફ ક્યાં?
દેશ છોડી ડૉલરોમાં ખૂબ સુખ પામ્યો છતાં,
મા વિનાના એ વિદેશી આંગણામાં હૂંફ ક્યાં?
ફૂલ ખીલ્યાં બાગમાં, પણ તું નથી, તો ઓ ‘પરાગ’,
સાંજના ખાલી પડેલા બાંકડામાં હૂંફ ક્યાં?
– પરાગ રતનપરા
#ગઝલ #હૂંફ #એકલતા #વતન #વિરહ #પરાગરતનપરા
#GujaratiGhazal #Warmth #Loneliness #Homesick #Longing #ParagRatanpara