હંસલો
ઊડી જાશે હંસલો એકલો, પાંજરું રહેશે ખાલી,
માયાના આ મેળામાં, ભાઈ, કોણ કોની રખવાળી?
સોનાની સાંકળ, રૂપાનો હિંડોળો, મોતીનો મણકો માળે,
પાંખ ફફડાવે ત્યારે, ભાઈ, કોણ કોને પાછો વાળે?
સગાં-વહાલાં ઊભાં રહેશે ઉંબરે આંખો ઢાળી…
ઊડી જાશે…
ઘડી બે ઘડીનો ઉતારો, ભાઈ, આ કાયાની ધરમશાળા,
ભાડું ભરી ને નીકળી જાવું, લઈ શ્વાસોની માળા;
પોટલું બાંધ્યું પાપ-પુણ્યનું, બાકી હથેળી ઠાલી…
ઊડી જાશે…
પરાગ કહે: આ હંસલો તો જાય રે માનસરોવર,
રડશો મા, આ તો ઘેર જવાનું, નથી કોઈ પરઘર;
ફૂલ ખરે ને મ્હેક રહે, એ જ પ્રભુની તાળી…
ઊડી જાશે…
– પરાગ રતનપરા