← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હીંચકો પૂછે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઓસરીનો હીંચકો પૂછે, ‘કોણ મને ઝુલાવશે?’
દીકરી તો ચાલી સાસરિયે, કોણ હવે ગીત ગાશે?

મેંદીવાળી હથેળી એની સાંકળ ખખડાવી ગઈ,
ઉંબરે મૂકી કંકુ-પગલાં, આંખ ભીંજાવી ગઈ;
તુલસીક્યારો મૂંગો ઊભો, દીવો કોણ પ્રગટાવશે?
ઓસરીનો હીંચકો પૂછે…

ઢીંગલીઓનો ડબ્બો રડતો, માળિયે ચડ્યો ધૂળમાં,
બાપુ છાપું ઊંધું વાંચે, ધ્યાન નથી કંઈ મૂળમાં;
મા વઘારે દાળ ને પૂછે, ‘મીઠું કોણ ચખાડશે?’
ઓસરીનો હીંચકો પૂછે…

પરાગ કહે: આ ઘર નથી ખાલી, દીકરી દીવો મૂકી ગઈ,
બે ઘરની વચ્ચે રેશમની ઝીણી કેડી મૂકી ગઈ;
તહેવારે એ પાછી આવશે, હીંચકો ફરી હરખાશે…
ઓસરીનો હીંચકો પૂછે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખછૂટા શેર ૮૦૫૪–૮૦૬૫આગલો લેખ →ચપટીક તડકો