ચપટીક તડકો
અમને તો ચપટીક તડકો બસ,
ઝૂંપડીની બારીએ ઊતરે ને માંડે અમ સાથે ગપસપ.
નથી અમારે સોનું-ચાંદી, નથી તિજોરી-તાળાં,
બાજરાનો રોટલો ને છાશ, એ જ અમારાં અજવાળાં;
ખાટલે સૂતાં તારા ગણીએ, ઊંઘ આવે ધસમસ…
અમને તો ચપટીક તડકો બસ.
શહેર જઈને ભાઈ કમાયો મોટર, બંગલો, બાગ,
ઊંઘની ગોળી ગળે રાતે, ને દિવસે ભાગમભાગ;
અમે લીમડા હેઠે ઝોકું ખાઈએ, પવન વીંઝે પંખો મફત…
અમને તો ચપટીક તડકો બસ.
પરાગ કહે: સુખ માપવાનું કોઈ ત્રાજવું ના ઘડાય,
જેને જોઈએ ઓછું, એના ખોળે આખું આભ સમાય;
ભર્યું ભર્યું મન હોય તો ખાલી ખિસ્સું પણ સરસ…
અમને તો ચપટીક તડકો બસ.
– પરાગ રતનપરા