હઠ
પ્રેમ
બાળકની જેમ હઠ પકડે છે —
જમીન પર આળોટે,
રડે, રિસાય,
ને જે રમકડું
દુકાનના કાચ પાછળ છે
એ જ જોઈએ.
સમજાવો:
‘એ આપણું નથી.’
‘બીજું લઈ આપું.’
‘કાલે આવીશું.’
ને એ ત્યાં જ
ઊંઘી જાય છે,
કાચ પર ગાલ ટેકવીને.
સવારે
દુકાનદાર કાચ લૂછે છે,
પણ એક ગાલનું નિશાન
રોજ પાછું ઊપસી આવે છે.
– પરાગ રતનપરા