હસ્તરેખા
મેળામાં
જ્યોતિષી બેઠો હતો,
લાલ કપડું, પોપટ, ને બૃહદ ભવિષ્ય.
એક કડિયાએ
દસ રૂપિયા મૂકીને
હથેળી ધરી.
જ્યોતિષીએ બિલોરી કાચ ફેરવ્યો,
આમતેમ ફેરવી,
ફરી ફેરવી.
‘ભાઈ, તારી હથેળીમાં તો
રેખા જ નથી.’
કડિયો હસ્યો:
‘હતી, સાહેબ.
સિમેન્ટ ને ઈંટ ઘસી ઘસીને
ભૂંસાઈ ગઈ.’
જ્યોતિષીએ
દસ રૂપિયા પાછા આપ્યા,
ને પહેલી વાર
પોતાની કોમળ, લીસી હથેળી સામે જોઈ
શરમાયો.
– પરાગ રતનપરા