હરિને ઑનલાઇન અરજી
હરિ, તમારી વેબસાઇટ પર અરજી મેં તો ભરી,
સર્વર ડાઉન, ઓટીપી ગુમ, ને પ્રાર્થના રહી અધૂરી, હરિ!
નામ, ઠામ ને આધાર નંબર, પાન-કાર્ડની નકલ માગી,
પાપ-પુણ્યનું સ્ટેટમેન્ટ ને ભક્તિની રસીદ માગી;
‘કેપ્ચા’માં લખ્યું ‘રામ’, તો કીધું: ‘ખોટું, અરજી ફરી ભરી!’
હરિ, તમારી…
ટોકન લીધું, કતાર લાંબી, પૂજારીએ લીધી ફી,
વીઆઈપી દર્શન ઝટપટ, ને ગરીબની લાઇન રહી;
પ્રસાદ પણ હવે પૅકેટમાં, ને ‘નો-રિફંડ’ની સરી…
હરિ, તમારી…
પરાગ કહે: મીરાંએ ક્યાં કોઈ ફોર્મ કદીયે ભર્યું?
એકતારે બસ નામ લીધું, ને સીધું હૈયે ઠર્યું;
ઑફલાઇન જ મળજો, હરિ, આ ઑનલાઇન લાગે ભારી…
હરિ, તમારી…
– પરાગ રતનપરા