ભોળી પ્રીત
ભોળો આગિયો, ભોળી રાત, ભોળી પ્રીતની રીત,
જે પોતે બળી અજવાળું આપે, એ જ સાચો મીત.
ઝાકળ સૂરજને ચાહે, ને સૂરજ એને સૂકવે,
તોય ઝાકળ રોજ સવારે પાંદે પાંદે ઝૂકે;
હારીને પણ જીતે એવી ભોળી એની જીત…
ભોળો આગિયો…
પતંગ દીવે દોડી આવે, પાંખ બળે તો ભલે,
નદી દરિયે દોડી જાય, ભલે મીઠાશ ઓગળે;
ખોવામાં જે સુખ શોધે, એ પ્રેમીનું ગીત…
ભોળો આગિયો…
પરાગ કહે: આ ભોળપણ પર દુનિયા હસે છે ખૂબ,
પણ હિસાબ વિનાનો પ્રેમ જ છે ઈશ્વરનું રૂપ;
ચતુર લોકો ગણતા રહેશે, ભોળા જાશે જીત…
ભોળો આગિયો…
– પરાગ રતનપરા