હરિના હસ્તાક્ષર
મેં હરિને પૂછ્યું:
‘તમારી સહી ક્યાં છે?
આટલું મોટું જગત બનાવ્યું,
ને નીચે નામ પણ નહીં?’
હરિ હસ્યા.
પછી સવારે
મેં જોયું —
દૂધીના વેલાએ
વાડ પર
એક વાંકીચૂંકી લીટી દોરી હતી.
બપોરે
નદીના પટમાં
પાણી ખસી ગયા પછી
રેતી પર એવી જ લીટી.
સાંજે
દાદીમાના કપાળે
કરચલીઓની એવી જ લીટી.
ને રાતે
મારા દીકરાએ
પહેલી વાર પેન પકડી
ને કાગળ પર
બરાબર એ જ લીટી પાડી.
હવે હું
સહી શોધતો નથી.
બસ, વાંચતો રહું છું.
– પરાગ રતનપરા