હરિ જાણે
ભલે આજે ઉદાસી હો, હશે શું કાલ હરિ જાણે,
ન પૂછો કોઈને દિલનું, ખરું શું હાલ હરિ જાણે.
નથી મા-બાપ, ઘર પણ ના, સડક પર ઊંઘતું બાળક,
હથેળીમાં ન રેખા કો, લખેલું ભાલ હરિ જાણે.
રમે ચોપાટ સૌ નેતા, ગણે છે દાવ ને પાસા,
ઉપરવાળો હસે છે, આખરી જે ચાલ હરિ જાણે.
અમે નાચ્યા, અમે ગાયાં, ઘણો કીધો તમાશો પણ,
નચાવે કોણ દોરીથી? ખરો એ તાલ હરિ જાણે.
પરાગે ફૂલને પૂછ્યું: ‘કહે, મ્હેકે ભલા શાને?’
કહે એ ફૂલ: ‘મારે શું? બધો એ ખ્યાલ હરિ જાણે.’
– પરાગ રતનપરા
#ગઝલ #હરિઇચ્છા #શ્રદ્ધા #નિયતિ #શરણાગતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #DivineWill #Faith #Destiny #Surrender #ParagRatanpara