← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હપ્તા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઉંમર ગઈ હપ્તા ભરતાં, ને સપનાં રહ્યાં અધૂરાં રે,
ખૂણે પડ્યું ગિટાર, તાર સૌ ઢીલા ને બેસૂરા રે.

છોકરાંની ફી, બાની દવા, ઘરનું ભાડું, લોન,
પગાર આવે ત્યાં તો ખાતું ખાલી કરતો ફોન;
ખિસ્સાં ખાલી, મન ભરેલું, ને સપનાં સૌ દૂરાં રે…
ઉંમર ગઈ…

દોસ્તોની મહેફિલ છૂટી, છૂટ્યો ગિરનાર રસ્તો,
‘આવતે વર્ષે જઈશું’ કહીને હું તો રહ્યો હસતો;
આવતું વર્ષ કદી ન આવ્યું, દિવસો થયા પૂરા રે…
ઉંમર ગઈ…

પરાગ કહે: હજી મોડું નથી, ખોલ ગિટારના તાર,
એક ગીત તો તારું ગાજે, ભલે અધૂરો સાર;
જવાબદારી વચ્ચે ય થોડા થઈ જજો શૂરા રે…
ઉંમર ગઈ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખજુદા રસ્તેઆગલો લેખ →ક્યાં ગયા?