← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હળ જોડીને

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હળ જોડીને હાલો, મનવા, હૈયાના ખેતરમાં,
રામ નામનું બીજ વાવીએ, શ્રદ્ધાના ચોતરમાં.

ખેડી નાખો અહમ્‌ના ઢેફાં, ઊખેડી નાખો કાંટા,
ઈર્ષાનાં ઝાંખરાં બાળો, ખોલો દયાના પાટા;
પ્રેમનું પાણી પાવું પડશે સાંજ-સવારે ઘરમાં…
હળ જોડીને…

ક્રોધનાં પંખી ચણી જાશે, ચાડિયો રાખો ધ્યાનનો,
લોભનો તડકો બાળે તો છાંયો સંતોના ગાનનો;
ધીરજથી રાહ જોજો, મનવા, ફળ ન મળે પલકમાં…
હળ જોડીને…

પરાગ કહે: આ દેહ ખેતર, ને શ્વાસ છે સાંતીડું,
જે સૂતો રહે નીંદરમાં, એનું ખેતર રહે ઊજડું;
લણજો જ્યારે મોલ પાકે, ભરજો સૌના ઘરમાં,
રામ જ ઊગશે ત્યાં, ને રામ જ મ્હેકશે ઘરઘરમાં…
હળ જોડીને…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખગાંઠઆગલો લેખ →પાદર, ભૂલતો ના