← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગાંઠ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

લગ્નમાં
પંડિતે
મારા ખેસ ને તારી ચૂંદડીની
ગાંઠ બાંધી હતી.

ત્યારે લાગ્યું હતું —
હવે આપણે બંધાઈ ગયાં.

પછી
ઘણી વાર ઝઘડ્યાં,
ઘણી વાર રિસાયાં,
એક વાર તો
તું પિયર પણ ચાલી ગઈ.

આજે
ચાલીસ વર્ષે
તને ઘૂંટણમાં દુખે છે
ને મારા હાથ ધ્રૂજે છે.
હું તને ચંપલ પહેરાવું છું,
તું મને બટન બંધ કરી આપે છે.

હવે સમજાય છે:
ગાંઠ કાપડની નહોતી —
એ તો
રોજ થોડી થોડી
બંધાતી રહી,
આપણા
નાના નાના
ઝૂકવામાં.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખજશોદાનું હાલરડુંઆગલો લેખ →હળ જોડીને