હજી બાકી
જતી મા ખેતરે વ્હેલી, મધુર ગાણું હજી બાકી,
વળે રાતે ઘરે પાછી, અડધ ભાણું હજી બાકી.
વચન આપી ગયો’તો એ, ફરી આવીશ હું પાછો,
દિવાળી સાત વીતી ગઈ, મિલન-ટાણું હજી બાકી.
કરોડો છે છતાં શેઠે સવારે ફોન પર પૂછ્યું:
‘કશું બાકી? કશે ખૂટ્યું? ઘણું નાણું હજી બાકી!’
થપાટે ભીંત પર છાપ્યો હથેળીનો અજબ નકશો,
વળાવી દીકરી, ભીંતે નવું છાણું હજી બાકી.
પરાગે મ્હેક વ્હેંચી છે બધાં ઘરમાં, બધી શેરી,
હવાના હાથમાં તોયે ઘણું લ્હાણું હજી બાકી.
– પરાગ રતનપરા
#ગઝલ #અધૂરપ #મા #દીકરી #પ્રતીક્ષા #પરાગરતનપરા
#GujaratiGhazal #Incompleteness #Mother #Daughter #Waiting #ParagRatanpara