← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હૈયેથી ગાજે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગાવું હો તો હૈયેથી ગાજે, હોઠેથી નહીં, ભાઈ,
ઉછીના સૂરમાં ક્યાં કદી ઊગે કોઈ સચ્ચાઈ?

ભૂખ્યાં બાળક ભાળ્યાં હોય તો રોટલીનું એક ગીત બનાવ,
ખેડુની ફાટેલી પાનીનું દર્દ જરા તું સૂરે લાવ;
તાળી માટે લટકા-ઝટકા, એ તો ખાલી ચતુરાઈ…
ગાવું હો તો…

માની આંખે જોયું હોય તો આંસુનો આલાપ કરજે,
દીકરી વળાવી હોય તો ગીતે ઝીણો વિલાપ કરજે;
જે ના જીવ્યો, એ ગાવાની કરજે ના તું ઠગાઈ…
ગાવું હો તો…

પરાગ કહે: આ ગીત તો છે ફૂલ સરીખી મ્હેક,
વેચાય નહીં, ને ખરીદાય નહીં, મળે મફત ને નેક;
સાચું ગાજે, ઝીણું ગાજે, એમાં જ છે વડાઈ…
ગાવું હો તો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખબસની બારીએઆગલો લેખ →મૃત્યુને પત્ર