← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હૈયાની વાત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હૈયાની વાત હોઠે લાવ, ભેરુ, ના રાખ ભાર,
બોલ્યા વિના સમજે કોણ, આ મૂંગો સંસાર?

‘લોકો શું કહેશે?’ એ ડરમાં અડધું આયખું ખોયું,
હસતું મોઢું રાખી, તેં તો ભીતર ભીતર રોયું;
એકવાર તો રડી લે ખુલ્લું, હળવો થા, ભાર ઉતાર…
હૈયાની વાત…

માને કહેવું’તું ‘ચાહું છું’, શબ્દ ન આવ્યા હોઠે,
બાપુ ગયા, ને વાત અધૂરી ઊભી રહી ગઈ ઓટે;
કહેવાનું તું આજે જ કહી દે, કાલનો શો એતબાર?
હૈયાની વાત…

પરાગ કહે: વાત તો ફૂલ છે, ખીલે તો એ મ્હેકે,
ભીતર દાબી રાખો તો એ કાંટો થઈને ડંખે;
હોઠ ખોલ, ને હૈયું ખોલ, ખૂલશે સો સો દ્વાર…
હૈયાની વાત…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખધરતી માડી બોલેઆગલો લેખ →મારી મુશ્કેલી