હાથ ઝાલજો, વરરાજા
હળવે હળવે હાથ ઝાલજો, વરરાજા, અમ દીકરીનો,
ફૂલ જેવો છે કોમળ, ને છે કંકુ-કેસર સરીખો.
બાપે એને ઉછેરી છે આંખની કીકી કરીને,
માએ એનાં સપનાં ગૂંથ્યાં, રાતભર જાગી જાગીને;
ઠોકર વાગે તો ઝીલી લેજો, હાથ દેજો સહેલીનો —
હળવે હળવે હાથ ઝાલજો…
રીસ ચડે તો મનાવી લેજો, મીઠું બોલી બે વાતે,
આંસુ આવે તો લૂછી દેજો, ના રડવા દેજો રાતે;
અમે સોંપ્યો આંગણનો તુલસી, તમે બનજો માળીનો —
હળવે હળવે હાથ ઝાલજો…
પરાગ કહે: આ ચોરી વચ્ચે બાપનું હૈયું ધડકે,
ફેરા ફરતાં દીકરી જાતી, ઉંબર આખો તડકે;
આજથી એ તમારો દીવો, ને અમારે ખાલી ગોખલો —
હળવે હળવે હાથ ઝાલજો…
– પરાગ રતનપરા