હાથ
આ નવોઢાનો લજાતો, આ ગુલાબી હાથ છે,
આ ભરેલો જામ ઝાલી, ત્યાં શરાબી હાથ છે.
નોટ ગણતો રાતભર, ને સૂદ ગણતો રોજનું,
શેઠનો, પેઢી ઉપરનો, આ હિસાબી હાથ છે.
હાર લઈ, બે હાથ જોડી, વોટ માગે ગામમાં,
જીત મળતાં, એ જ થઈ જાતો નવાબી હાથ છે.
પાંદડાં ગણતો ગયો, ના વૃક્ષને એ જાણતો,
માત્ર પોથીમાં રમે, કોરો કિતાબી હાથ છે.
ભીડમાં ખોવાઈ જાઉં તો, પરાગે, આજ પણ
શોધતો હું એ જ માનો બેહિસાબી હાથ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #હાથ #માનોહાથ #સમાજદર્શન #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Hands #MothersHand #SocialMirror #Satire #ParagRatanpara