હાલ્યો જા
હાલ્યો જા રે, હાલ્યો જા, તું ભાંગ્યે પગે ય હાલ્યો જા,
કાંટા વાગે, લોહી નીંગળે, તોય હસીને હાલ્યો જા.
ધોમ ધખે ને છાંયો ના હો, પરસેવે તું ન્હાજે,
તરસ્યો હો તો તારા કંઠે ગીત મૂકીને ગાજે;
રણ પણ આખર રસ્તો આપે, ડગલું ભરતો હાલ્યો જા…
હાલ્યો જા રે…
ઠોકર ખાઈ પડે તો ધૂળ ખંખેરી ઊભો થાજે,
અંધારે જો દીવો ના હો, તારો દીવો થાજે;
સૂરજ પણ રોજ આથમીને ઊગે, એવું શીખતો હાલ્યો જા…
હાલ્યો જા રે…
પરાગ કહે: જે બેઠો એનું ભાગ્ય પણ બેસી જાતું,
ચાલે એની સાથે ચાલે આભ, ધરા ને ગાતું;
મંઝિલ તારી વાટ જુએ છે, ફૂલ વેરતો હાલ્યો જા…
હાલ્યો જા રે…
– પરાગ રતનપરા