ગુંજ્યા કરે
બા ગયાં, ને મૌનથી આ ઓરડો ગુંજ્યા કરે,
રામ-માળાના મણે આ ખોરડો ગુંજ્યા કરે.
તેલ ખૂટ્યું, વાટ ખૂટી, જ્યોત પણ ઓલાઈ ગઈ,
તોય ગોખે રાતભર એ દીવડો ગુંજ્યા કરે.
ખાટલે બેસી, હુકો પીતા હતા દાદા અહીં,
એમના ખોંખારથી આ લીમડો ગુંજ્યા કરે.
ખીર મૂકી શ્રાદ્ધમાં, પણ કોઈ ના આવ્યું અહીં,
છાપરે સૂના સમયનો કાગડો ગુંજ્યા કરે.
આ પરાગે શબ્દ-ઈંટો મૌનથી જોડી હતી,
આજ પણ એ ગઝલનો ત્યાં ઝૂંપડો ગુંજ્યા કરે.
– પરાગ રતનપરા
#ગઝલ #મૌન #પડઘો #પૂર્વજો #ખાલીઘર #પરાગરતનપરા
#GujaratiGhazal #EchoOfSilence #Ancestors #EmptyHouse #Remembrance #ParagRatanpara