← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગુલાબી કાગળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કાગળ ગુલાબી, શાહી રે ભીની, અક્ષર ધબક્યા કરે,
તને લખું ત્યાં ટેરવાં મારાં મોગરા થઈને ખરે.

પહેલી લીટીમાં સાંજ લખી ને બીજી લીટીમાં વરસાદ,
ત્રીજી લીટીએ અટકી ગઈ હું, આવી તારી યાદ;
કોરી જગ્યા છોડી દીધી, તું જ આવીને ભરે…
કાગળ ગુલાબી…

ગુંદર બદલે હોઠ અડાડી બીડ્યું મેં પરબીડિયું,
ટપાલપેટી પાસે જઈને થથરી ગયું આ હૈયું;
નાખું કે ના નાખું, જીવ તો અધ્ધર અધ્ધર તરે…
કાગળ ગુલાબી…

પરાગ કહે: આ કાગળ કદી ટપાલી નહીં લઈ જાય,
એ તો હવાની પાંખે બેસી તારે ઝરૂખે જાય;
વાંચે નહીં તું, સૂંઘે તોયે સઘળી વાતો સરે…
કાગળ ગુલાબી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખડરે છેઆગલો લેખ →આવતે ભવ