ગ્રેસ માર્ક
દીકરો પાસ થયો,
દીકરી ડિસ્ટિંક્શનમાં,
પતિને પ્રમોશન.
ઘરમાં પેંડા વહેંચાયા,
ફોટા પડ્યા,
સૌએ સૌને અભિનંદન આપ્યાં.
રસોડામાં
એણે
પેંડાનું ખાલી ખોખું
ધોઈને
કબાટમાં મૂક્યું —
કામ આવશે.
એનું કોઈ રિઝલ્ટ નથી આવતું.
વીસ વરસથી
એ એક જ વર્ગમાં બેઠી છે,
રોજ પરીક્ષા આપે છે —
દાળ, દવા, દફતર, ધોબી,
સાસુની ગોળી, સસરાનું છાપું.
ગ્રેસ માર્કથી પાસ —
કોઈ દિવસ પહેલો નંબર નહીં,
કોઈ દિવસ નાપાસ પણ નહીં.
ખબર નથી
આ ઘરની નિશાળમાં
એના માર્ક કોણ મૂકે છે —
પણ ઘર
હજી ચાલે છે,
એટલે
એ પાસ છે.
– પરાગ રતનપરા