ગોરમા
ગોરમા રે, તને જવારા વાવું રૂડા લીલા લીલા,
એવો વર દેજે મા, જેના બોલ હોય રસીલા.
પાંચ દિવસ મેં મીઠું ત્યાગ્યું, ત્યાગી ખાટી આંબલી,
જાગરણે જાગી સખીઓ સંગે, ગરબે ઘૂમી સાંજલી;
આંખોમાં સપનાં ઝૂલે, રંગીન ને રંગીલાં…
ગોરમા રે…
નથી માગતી હીરા-મોતી, નથી માગતી મેડી,
એવો દેજે, જે ન બાંધે મારા પગમાં બેડી;
ચોપડીઓ મારી સાચવે, ને ઉડાન દે ગર્વીલી…
ગોરમા રે…
પરાગ કહે: જવારા જેવી ઊગે છે દીકરીઓ,
ખુલ્લો તડકો, ખુલ્લું આભ, એ જ એની ઝોળીઓ;
એને ઊગવા દેજો, એ જ જવારા સાચા લીલા…
ગોરમા રે…
– પરાગ રતનપરા