ઘોંઘાટમાં
ખોઈ બેઠા છે બધા એ વાંસળી ઘોંઘાટમાં,
કોઈએ ના વાત મારી સાંભળી ઘોંઘાટમાં.
ઢોલ, ડીજે ને ફટાકા, હોર્નના સૌ ધમધમાટ,
આભની ઓઝલ રહી ગઈ વીજળી ઘોંઘાટમાં.
ભીડ મેળાની હતી, ને માત ચીસો પાડતી,
બાળથી છૂટી પડી ત્યાં આંગળી ઘોંઘાટમાં.
ના બચી ચકલી, ન કોયલ, ના કબૂતર એક પણ,
એકલી ઊભી ગલીની પીપળી ઘોંઘાટમાં.
આ પરાગે મૌન રાખ્યું, મ્હેકથી વાતો કરી,
એ જ ભાષા તો બચી છે ઊજળી ઘોંઘાટમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #ઘોંઘાટ #મૌન #શહેરીજીવન #પ્રકૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Noise #Silence #UrbanLife #LostNature #ParagRatanpara