ઘેરૈયા
આવ્યા રે આવ્યા ઘેરૈયા, રંગની પિચકારી લઈ,
કોરું ન રહેશે કોઈ આજે, ભલે સંતાય તું જઈ.
કેસૂડાનાં પાણી ઉકાળ્યાં, ઢોલ ઢબૂકે ચોકે,
ભાભી ભાગે, ભાઈ ભાગે, પણ કોણ અમને રોકે?
ગાલે ગુલાલ, ને આંખે કાજળ, હૈયે હરખ સમાઈ…
આવ્યા રે આવ્યા…
દાદા બેઠા ખાટલે, બોલે: ‘મને ન છાંટો રંગ,’
પૌત્રે છાંટ્યો હળવે, ત્યાં તો દાદા નાચ્યા સંગ;
વરસોથી જે ધોળું હતું, એ મન થયું રંગાઈ…
આવ્યા રે આવ્યા…
પરાગ કહે: આ હોળી તો છે મનનો મેલ બાળવાનો,
રીસ, અબોલા, વેર સૌને ગુલાલે ઉડાડવાનો;
જે રંગાયું પ્રેમે, એને ક્યાં ધોશે કોઈ ભાઈ?
આવ્યા રે આવ્યા…
– પરાગ રતનપરા