ઘટમાં બેઠો શ્યામ
ઘટમાં બેઠો શ્યામ, પછી હું ક્યાં રે શોધું ધામ?
શ્વાસ મહીં જ્યાં વાંસળી વાગે, ત્યાં જ મારું ગામ.
ભોગ ધરું તો પહેલો કોળિયો એ જ રે ચાખી જાય,
પાણી પીઉં તો જમુનાજીનું જળ જાણે રે ન્હાય;
આંખ મીંચું ત્યાં ગોવર્ધનનો ઊંચકાયેલો ઠામ.
ઘટમાં બેઠો શ્યામ…
મંગળાનાં દર્શન મારે ઊઘડતી પાંપણે થાય,
શયનની ઝાંખી ઝૂલે રે મારી નીંદરની છાંય;
માળા ફેરવું તો મણકે મણકે મ્હેકે એનું નામ.
ઘટમાં બેઠો શ્યામ…
લોક કહે છે નાથદ્વારે જા, ત્યાં બેઠા છે નાથ,
પરાગ કહે, જે ભીતર બેઠો, એ ક્યાં છોડે સાથ?
પગ ન ચાલે તો ય પહોંચું, એવો મારો મુકામ.
ઘટમાં બેઠો શ્યામ…
– પરાગ રતનપરા