ઘટમાં બેઠો
ઘટમાં બેઠો બોલે રે, એને સાંભળ, સાધુ ભાઈ,
બહાર ભટકે, ભીતર જો તો મળશે રામ રમાઈ.
તીરથ ફર્યો ને જાત્રા કીધી, ગંગામાં ડૂબકી મારી,
મેલ મનનો ધોયો નહીં, તો શું ધોઈ કાયા સારી?
ચોખ્ખું મન તો કાશી ઘરમાં, એ જ ખરી કમાઈ.
ઘટમાં બેઠો…
માળા ફેરવે મણકા, ભાઈ, મનનો મણકો ના ફરતો,
હોઠે રામ ને હૈયે કામ, તો ભગત શું ભવ તરતો?
સાચા દિલની એક જ હાકે હાજર રઘુરાઈ.
ઘટમાં બેઠો…
પરાગ કહે: ફૂલની ભીતર જેમ સુગંધ વસે છે,
એમ જ ઘટમાં હરિ વસે ને ધીમું ધીમું હસે છે;
આંખ મીંચીને ભીતર ઊતર, ત્યાં જ મળે સાંઈ.
ઘટમાં બેઠો…
– પરાગ રતનપરા