ઘરનું મહાભારત
આ ઘરનું મહાભારત, ભાઈ, ચાલે બારે માસ,
કૃષ્ણ વિનાનું કુરુક્ષેત્ર, ને વકીલોનો રાસ!
બાપુ ગયા, વીલ ના મળ્યું, ખોલ્યાં સૌએ ખાતાં,
પાંચ દીકરા, પચાસ સગાં, ને સૌનાં મોઢાં ખાટાં;
ઓસરીના ભાગ પડ્યા, ને તુલસીને પણ ત્રાસ…
આ ઘરનું મહાભારત…
દ્રૌપદી જેવી બા બિચારી ખૂણે બેઠી રોતી,
પાંડવ-કૌરવ ભેગા થઈને વહેંચે એનાં મોતી;
ભીષ્મ સમો દાદાનો ખાટલો પડ્યો ખૂણે ઉદાસ…
આ ઘરનું મહાભારત…
પરાગ કહે: કોર્ટ-કચેરી, તારીખ પર તારીખ,
જીત્યો જે, એ હાર્યો સઘળું, વકીલ થયો ધનિક;
ગીતા કોઈ ન વાંચે, બસ વંચાય સ્ટેમ્પ-પેપર ખાસ…
આ ઘરનું મહાભારત…
– પરાગ રતનપરા