વાહ વાહ
શેર પૂરો પણ થયો ના, ત્યાં જ ખાલી વાહ વાહ,
મંચ પર નેતા પધાર્યા, ખૂબ તાલી વાહ વાહ.
અર્થ સાથે કોઈને પણ ક્યાં કશી નિસ્બત હતી?
ભોજને પૂરી, પછી ચા, ગરમ પ્યાલી, વાહ વાહ.
પુસ્તકો પોતે છપાવી, ભેટ દીધાં સૌ કને,
ને પ્રકાશકને મળી ગઈ સો દલાલી, વાહ વાહ.
શેર સૌના ચોરનારો, મંચ પર ગાદી મળી,
એ જ તો સાહિત્યનો સાચો મવાલી, વાહ વાહ.
દાદ માગી ના કદી, ઊડ્યા કરે બસ આ ‘પરાગ’,
મ્હેકની ભાષા અલગ છે, ને નિરાળી, વાહ વાહ.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #મુશાયરો #સાહિત્યજગત #દાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Mushaira #LiteraryWorld #WahWah #ParagRatanpara