ઘરનું ચિત્ર
નાનપણમાં
નોટબુકના છેલ્લા પાને
મેં એક ઘર દોર્યું’તું:
ત્રિકોણ છાપરું, ચોરસ બારી,
ધુમાડો કાઢતું ધુમાડિયું,
ને બાજુમાં સૂરજ — હસતો.
આજે
બૅંકની લોન લઈને
ત્રીસમા માળે
બે ઓરડાનો ફ્લેટ લીધો.
બારીમાંથી જોઉં છું —
સૂરજ દેખાતો નથી,
સામેના ટાવરની ભીંત દેખાય છે.
દીકરીએ આજે
એની નોટબુકમાં
ઘર દોર્યું:
ત્રિકોણ છાપરું, ચોરસ બારી,
ને બાજુમાં સૂરજ — હસતો.
હું
એ પાનું
લોનના કાગળો ઉપર
દાબીને મૂકી રાખું છું,
જેથી
પવનમાં ઊડી ન જાય —
બંનેમાંથી એકેય.
– પરાગ રતનપરા