ઘરડાઘરની ધૂળેટી
ઘરડાઘરના બગીચામાં
ધૂળેટીની સવારે
સૌ ઘરડાં
બાળકોની જેમ રંગે રમે છે.
એક ખૂણે બાંકડા પર
બા અને બાપુજી.
બાપુજીના હાથ ધ્રૂજે છે —
ગુલાલની ચપટી
અડધી હવામાં,
અડધી બાની સાડી પર.
બા હસે છે:
‘પચાસ વરસ પહેલાં પણ
તમારો નિશાનો કાચો જ હતો.’
બાપુજી કહે:
‘ત્યારે ય તું ખસી જતી’તી,
આજે ય.’
ટેબલ પર
દીકરાનો વીડિયો-કૉલ
રણક્યા કરે છે,
ને બંને
એકબીજાની કરચલીઓમાં
ધીરે ધીરે
ગુલાલ ભરે છે.
– પરાગ રતનપરા