← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઘર કોને કહેવું?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચાર ભીંત ને એક છાપરું, એને ઘર ના કહેવાય રે,
જ્યાં કોઈ વાટ જુએ સાંજે, ઘર તો એ જ ગણાય રે.

ઝાંપે ઊભી બા પૂછે: ‘કેમ આજે મોડું થયું?’
બાપુ છાપું ઓઢી બેઠા, હળવેથી પૂછે: ‘શું થયું?’
એ બે પ્રશ્નોમાં આખું આકાશ ભરાઈ જાય રે…
ચાર ભીંત ને એક છાપરું…

ભીંતે બાળકના લીટા, ફળિયે ભીનાં કપડાં,
રસોડે વઘારની સુગંધ, ને ઝઘડા પણ લાડકડા;
રીસ ચડે ને ઊતરે ત્યાં તો દાળ ઢોકળી થાય રે…
ચાર ભીંત ને એક છાપરું…

પરાગ કહે: મેં ફ્લેટ ખરીદ્યો, ચાવી ખિસ્સે લટકે,
પણ તાળું ખોલું ત્યારે કોઈ ‘આવ્યો?’ કહી ન ટકે;
મકાન મોટું થયું, ને ઘર નાનું થતું જાય રે…
ચાર ભીંત ને એક છાપરું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખશું કરો?આગલો લેખ →એ નથી ત્યારે