ઘણું છે
હતું જે ભલે સાવ થોડું, ઘણું છે,
અહીં એક ચંપલ જ જોડું ઘણું છે.
હતી રાહ વર્ષો, ખુશી ઘેર આવી,
ન પૂછું હવે, કેમ મોડું? ઘણું છે.
ઘણી ભીંત ઊભી કરી છે અહંની,
હવે એક ઈંટ પણ તોડું, ઘણું છે.
ઘણા તાર તૂટી ગયા છે સમયમાં,
તને હેતને તાર જોડું, ઘણું છે.
નથી માગવું કાંઈ ઈશ્વર કને પણ,
હવે તીર્થ-તીર્થે ન દોડું, ઘણું છે.
પરાગે કમાયો ન સિક્કો, ન સોનું,
ગઝલનું જ ખેતર ન છોડું, ઘણું છે.
– પરાગ રતનપરા
#ગઝલ #સંતોષ #સાદગી #અધ્યાત્મ #જીવનદર્શન #પરાગરતનપરા
#GujaratiGhazal #Contentment #SimpleLiving #Gratitude #InnerPeace #ParagRatanpara