← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઘડિયાળ નહોતી ત્યારે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘડિયાળ નહોતી ઘરમાં ત્યારે, તોય સમય ના ખૂટતો,
ઓસરીએ બેઠેલો સૂરજ સાંજ લગી ક્યાં ઊઠતો!

કૂવે ગાગર, વડલે છાંયો, ચૂલે શેકાતો રોટલો,
દાદીમાની વારતામાં રાજા રાણીનો ઓટલો;
પાંચ પૈસાની ગોળી ચૂસી, આખો દિવસ ક્યાં ખૂટતો…
ઘડિયાળ નહોતી ઘરમાં ત્યારે…

ટપાલીની સાઇકલ ઘંટડી, આખું ફળિયું દોડતું,
એક જ કાગળ ગામ સહુનાં સુખ-દુઃખ સાથે જોડતું;
મેળો આવે તો ઢોલ ઢબૂકે, મનનો મોરલો ઊઠતો…
ઘડિયાળ નહોતી ઘરમાં ત્યારે…

પરાગ કહે: હવે કાંડે કાંડે સમય ટકટક ટકટક ચાલે,
ફોનની પાંખે વાતો ઊડે, ભેટ્યા વગરના વ્હાલે;
ઘડિયાળો ગણ ગણ કરે, ને માણસ મનમાં તૂટતો…
ઘડિયાળ નહોતી ઘરમાં ત્યારે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખહા કે નાઆગલો લેખ →શ્વાસોમાં