ઘડિયાળ
મારા પૌત્રના કાંડે
ડિજિટલ ઘડિયાળ છે —
એમાં કાંટા નથી,
બસ આંકડા છે,
જે ઝબકીને બદલાઈ જાય છે.
એ પૂછે છે:
‘દાદા, તમારી ઘડિયાળમાં
આ ટિક ટિક શું કરે છે?’
હું કહું છું:
‘એ સમય ચાલે છે, બેટા,
એનાં પગલાં સંભળાય છે.’
એ હસે છે.
એની ઘડિયાળમાં
સમય ચાલતો નથી,
બસ કૂદકા મારે છે.
હું એને કેમ સમજાવું
કે મારી ઉંમરે
સમય
કૂદકા મારતો નથી —
ધીમે ધીમે
પાસે આવીને બેસે છે,
ને હાથ પકડે છે.
– પરાગ રતનપરા