ઘડપણમાં
ફરીથી પાંગરી છે આ અમારી પ્રીત ઘડપણમાં,
લખે છે ડોસલો ડોશી ઉપર તો ગીત ઘડપણમાં.
નથી દાંતો, છતાં મીઠાઈ લાવ્યો છે સજનવા, લે,
હસી ડોશી કહે: ‘છે આ ગજબની રીત ઘડપણમાં!’
બગીચે હાથ ઝાલી ચાલતાં બે લાકડીઓ લઈ,
જુવાનો જોઈ શરમાતા, હવે છે જીત ઘડપણમાં.
ગયાં સંતાન પરદેશે, ઘરે બે જણ, ઉદાસી પણ,
ફરી પાછાં બની ગ્યાં બેઉ મીઠા મીત ઘડપણમાં.
પરાગે કાનમાં જાણ્યું, સુકેલી ડાળ પર ગાતું
મજાનું કોકિલાનું આ નવું સંગીત ઘડપણમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #ઘડપણ #વૃદ્ધદંપતી #પ્રેમ #હળવીરચના #પરાગરતનપરા
#GujaratiGhazal #LoveInOldAge #ElderlyCouple #EternalRomance #LightVerse #ParagRatanpara