← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઘડપણ આવ્યું પાછલે બારણે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘડપણ આવ્યું પાછલે બારણે, સાંકળ ના ખખડાવી રે,
અરીસે બેઠું ધોળું પીંછું, પૂછ્યા વિના જ આવી રે.

ચશ્માં વિના અક્ષર ભાગે, ઘૂંટણ બોલે કડકડ ભાષા,
દાંત ગયા ને દાઢ ગઈ, તોય મનડે લાડુની આશા;
જોબન જાતું જોયા કીધું, વાત ગળામાં દાબી રે…
ઘડપણ આવ્યું…

ઓસરીએ ખાટલો ઢાળ્યો, ખાટલે બેઠી યાદો,
પૌત્ર આવી ખોળે બેસે, માગે વારતાનો વાદો;
‘એક હતો રાજા’ કહેતાં બાળપણની વાવ ભરાઈ આવી રે…
ઘડપણ આવ્યું…

પરાગ કહે: ઘડપણ નથી કંઈ સાંજ ઢળ્યાનું રડવું,
પાકી કેરી ડાળે ઝૂલે, એ મીઠાશે ખરવું;
જાતાં જાતાં આંગણે મેલું મીઠપ સઘળી સજાવી રે…
ઘડપણ આવ્યું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખને તું નહીંઆગલો લેખ →જાત