ઘાટ પર
સાંજ આવી, ગંગમાં મેં જાત બોળી ઘાટ પર,
સાધુએ ખાલી કરી’તી એક ઝોળી ઘાટ પર.
આરતીના દીવડા તરતા ગયા આઘે સુધી,
ત્યાં જ ઊડી સારસોની એક ટોળી ઘાટ પર.
દીકરાએ બાપનાં ફૂલો વહાવ્યાં નીરમાં,
ને પછી આખી ઉમર એ રાખ ખોળી ઘાટ પર.
ઘંટ, શંખો, ધૂપ, ભજનો, ભીડ ને કોલાહલો,
સૂર્ય ડૂબ્યો ત્યાં સુધીમાં રંગ ઘોળી ઘાટ પર.
કોઈ ડોશીએ તરાવ્યો એક દીવો નીરમાં,
આ પરાગે જોઈ શ્રદ્ધા સાવ ભોળી ઘાટ પર.
– પરાગ રતનપરા
#ગઝલ #ગંગા #ઘાટ #શ્રદ્ધા #સંધ્યાઆરતી #પરાગરતનપરા
#GujaratiGhazal #Ganga #RiverGhat #Faith #EveningAarti #ParagRatanpara