ગયું પાણી
જે ગયું એ ગયું, મનવા, શીદને પસ્તાય?
વહી ગયેલા પાણીથી કંઈ ઘંટી થોડી ચલાય?
ગાડી છૂટી, ટિકિટ ફાટી, ને પ્લેટફોર્મ સૂનું,
કોઈ બીજી ગાડી આવશે, મન ના કર તું ઊનું;
સ્ટેશન પર બેઠો બેઠો, ભઈલા, પી લે ચાય…
જે ગયું એ ગયું…
કોઈ ગયું તો યાદ રહી, ને યાદ રહી તો ગીત,
ગીત રહ્યું તો હૈયે રહી ગઈ થોડી થોડી પ્રીત;
આપેલું તો ઊગી નીકળે, ખોયું ક્યાં ખોવાય?…
જે ગયું એ ગયું…
પરાગ કહે: ફૂલ ખરે તો ઝાડ ન રોવા બેસે,
નવી કૂંપળ ફોડી, પાછું વસંતને ઘર પેસે;
અફસોસનાં પોટલાં ફેંકી, હળવો થઈ જા, ભાય…
જે ગયું એ ગયું…
– પરાગ રતનપરા