ગલોલ
દસ વર્ષનો હતો ત્યારે
નવી ગલોલ લાવ્યો હતો.
ભાઈબંધોએ કહ્યું:
‘નિશાન તો લગાવ!’
ને મેં
લીમડાની ડાળે બેઠેલી
એક ચકલી તરફ
કાંકરો છોડ્યો.
એ પડી.
ધૂળમાં.
પાંખ ફફડાવી,
ને પછી
ના ફફડાવી.
ભાઈબંધો તાળી પાડતા રહ્યા.
હું ઘેર જઈને
માના ખોળામાં
આખી રાત
ધ્રૂજતો રહ્યો.
આજે સાઠ વર્ષનો છું.
રોજ સવારે
અગાસીએ
ચોખાના દાણા વેરું છું.
ચકલીઓ આવે છે,
ચણે છે,
ઊડી જાય છે.
પણ એ એક ચકલી
હજી
મારી છાતીમાં
પાંખ ફફડાવે છે.
– પરાગ રતનપરા