ગઝલ લખવા
પરોઢે પાંચ વાગે, ચા, કલમ લાવ્યો ગઝલ લખવા,
ન સૂઝે કાફિયો, મનમાં જ મૂંઝાયો ગઝલ લખવા.
કહે પત્ની: ‘જરા પાણી ભરી દો, ગૅસ છે ખાલી,’
ભરી પાણી, ચડી દાદર, ઘણો થાક્યો ગઝલ લખવા.
થયા નવ, ને ઘડી ભાળી, ત્યજી પડતું, ગયો દોડી,
દિવસભર ફાઈલોમાં, ને ફરી આવ્યો ગઝલ લખવા.
નિશાએ સ્વપ્નમાં આવ્યો મજાનો શેર એ સાચો,
પ્રભાતે આંખ ખૂલી ત્યાં, ન કૈં ફાવ્યો ગઝલ લખવા.
પરાગે એ જ પીડાથી લખી દીધી ગઝલ આખી,
ખરું તો, હું વિના કારણ જ ગભરાયો ગઝલ લખવા.
– પરાગ રતનપરા
#ગઝલ #હાસ્ય #કવિ #સર્જનપીડા #ઘરસંસાર #પરાગરતનપરા
#GujaratiGhazal #Humour #WritersBlock #PoetsLife #EverydayComedy #ParagRatanpara