ગજરો
તારી વેણીમાં ગૂંથવા
લાવેલો મોગરાનો ગજરો
ફ્રિજમાં
ત્રણ દિવસથી
રાહ જુએ છે.
એ સાંજે
તું મોડી આવી,
હું થાકેલો હતો,
ને આપણે ઝઘડ્યાં —
કોણ જાણે શા માટે.
હવે
ફૂલો ભૂરાં પડી ગયાં છે,
પણ ફ્રિજ ખોલું ત્યારે
એ જ ઠંડી મ્હેક
મારા મોં પર
થપાટ મારે છે.
આજે સાંજે
નવો ગજરો લાવીશ —
કે પછી
એ જ, ઝાંખો,
તારી વેણીમાં મૂકીશ,
મારી ભૂલની સાથે.
– પરાગ રતનપરા