ગભરાતો હતો
રોજ લોકલ પકડવા એ દોડતો જાતો હતો,
ને ટિફિન લઈ, એક ઝીણું ગીત એ ગાતો હતો.
હાથમાં ફુગ્ગો હતો, ને બાળ એ બેઠો હતો,
માત કેરી ગોદમાં એ દાળિયા ખાતો હતો.
ચીસ ને ધૂમાડ, પાટે ચંપલો વેરાયલાં,
ને બધાનો એક જેવો રક્તનો નાતો હતો.
ક્યાં ગયાં મા-બાળ? ફુગ્ગો એકલો ઊડ્યા કરે,
ને ગગન પણ એ ઘડી તો રક્તથી રાતો હતો.
આ પરાગે ત્યાં ફરીથી ભીડ ભાળી ટ્રેનમાં,
લોક સૌ ચડતા ગયા, ને ડર જ ગભરાતો હતો.
– પરાગ રતનપરા
#ગઝલ #આતંક #બોમ્બધડાકો #માનવતા #હિંમત #પરાગરતનપરા
#GujaratiGhazal #Terrorism #BlastVictims #Humanity #Resilience #ParagRatanpara