← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ફોરમ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સખી, ફોરમ આવી ક્યાંથી રે, આજ ફોરમ આવી ક્યાંથી?
ના બાગ, ના બગીચો, તોયે મ્હેક ઊઠી મનમાંથી.

સવારે એણે ‘કેમ છો?’ પૂછ્યું, આંખ ઢાળીને જરી,
ત્યારથી આખો દિવસ મારો, મોગરા થઈને ઝરી;
ચૂલે રોટલી બળી ગઈ, તોય સુગંધ આવી ત્યાંથી…
સખી, ફોરમ આવી ક્યાંથી રે…

ઓઢણી ઓઢું, મ્હેક મ્હેકે, પાણી ભરું, તો મ્હેકે,
કૂવે સૈયર મશ્કરી કરતી, ‘કોણ આ હૈયે ચ્હેકે?’
હું તો બોલું ના, પણ સાડીનો પાલવ બોલે આંખ્યમાંથી…
સખી, ફોરમ આવી ક્યાંથી રે…

પરાગ કહે: પ્રેમની ફોરમ, છુપાવી ના છુપાય,
બંધ મુઠ્ઠીમાં ભરો તોય, આંગળીએથી જાય;
એ તો ઊડે પવન સાથે, પહોંચે પિયુની બાથમાંથી…
સખી, ફોરમ આવી ક્યાંથી રે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઆપણે કેમ મળતા નથી?આગલો લેખ →પેલે પાર