ફૂલમાં
ઓસનાં ટીપાં ઝગે, જાણે નગીના ફૂલમાં,
મ્હેકતા માળી તણા ઝીણા પસીના ફૂલમાં.
પાંખડીઓ ખૂલતી’તી, જેમ ખૂલે ઘૂંઘટો,
લાજથી ઝૂકી ગયેલી કો’ હસીના ફૂલમાં.
એક કીડી ઓસમાં ડૂબી રહી’તી, ત્યાં જુઓ,
પાંખડી થઈ જાય છે નાની સફીના ફૂલમાં.
કોઈ કાબે, કોઈ કાશી, કોઈ ગંગા જાય છે,
મેં નિહાળ્યું, છે બધું કાશી-મદીના ફૂલમાં.
આ ‘પરાગે’ ફૂલ ચૂમ્યું, કાન દીધા પાંખડે,
જીવ છે, ધબકાર છે, ને શ્વાસ ભીના ફૂલમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #ફૂલ #સૂફી #પ્રકૃતિ #ઈશ્વર #પરાગરતનપરા
#GujaratiGhazal #Flower #SufiGhazal #NatureMysticism #DivineInNature #ParagRatanpara