ફર્યા કરે
એકલી રાતે ઉદાસી, ઓરડો ફર્યા કરે,
છત ઉપર પંખો ફરે, મન-ચાકડો ફર્યા કરે.
આંખમાં નીંદર નથી, ને યાદ તારી ઝળહળે,
રાતભર બારી પરે આ ચાંદલો ફર્યા કરે.
ભીંત પરની આ ઘડી ચાલે, સમય થંભી ગયો,
તું નથી, પણ શ્વાસમાં આ મોગરો ફર્યા કરે.
આંખ મીંચું ત્યાં ગલીની ધૂળ ઊડે છે ફરી,
બાળપણનો એ પુરાણો ભમરડો ફર્યા કરે.
આ પરાગે મ્હેક છોડી, ફૂલ પણ સૂકું થયું,
ઘર બધું સૂનું, છતાં એ વાયરો ફર્યા કરે.
– પરાગ રતનપરા
#ગઝલ #એકલતા #અનિદ્રા #વિરહ #યાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #Loneliness #SleeplessNight #Memories #Longing #ParagRatanpara