ફરી ક્યાં છે?
ગયું જે બાળપણ, એની જ નાદાની ફરી ક્યાં છે?
ભરી’તી જે જુવાને, એ જ દીવાની ફરી ક્યાં છે?
કશું ના હોય તોયે ગીત ગાતાં’તાં અમે મોજે,
હવે ધન છે, ભલે, પણ એ જ આસાની ફરી ક્યાં છે?
નવું પીંછું, નવો પથ્થર, નવો તારો જડે ત્યારે
થતી જે આંખમાં, એવી જ હેરાની ફરી ક્યાં છે?
ઉતારી બોર વાડેથી, ભગાડ્યા’તા અમે માળી,
હવે ગંભીર થઈ, એ હાથ તોફાની ફરી ક્યાં છે?
પરાગે બાગ ભરચક છે, હજારો ફૂલ ખીલ્યાં છે,
સુગંધે જે કરી’તી, એ જ મનમાની ફરી ક્યાં છે?
– પરાગ રતનપરા
#ગઝલ #બાળપણ #સ્મરણ #નિર્દોષતા #વીતેલાદિવસો #પરાગરતનપરા
#GujaratiGhazal #Childhood #Nostalgia #Innocence #GoneDays #ParagRatanpara