← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વૈશાખી કૂંપળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વૈશાખે લીમડે ફૂટી કૂંપળ, તાકી રહી આકાશ,
ધગધગતી લૂમાં પણ એને વરસાદની છે આશ.

તળાવ સુકાયું, તરડ્યું તળિયું, ઢોર ઊભાં ઉદાસ,
ચકલાં ચાંચ ઉઘાડી બેઠાં, આખા ગામે પ્યાસ;
તોય લીલીછમ કૂંપળ બોલી: ‘આવશે, રાખો વિશ્વાસ.’
વૈશાખે લીમડે…

ખેડુ ઊભો શેઢે, હાથે નેજવું કરીને ભાળે,
ઘરમાં બા માટલાં ઊંધાં વાળી, છેલ્લું પાણી ગાળે;
કૂંપળ કહે: ‘મારા જેવો રાખો ભીનો શ્વાસ.’
વૈશાખે લીમડે…

પરાગ કહે: આ કૂંપળની તો ઝાઝી નથી ઉંમર,
તોય એણે જોઈ લીધું છે ચોમાસાનું અંબર;
જે ઝંખે છે સાચા મનથી, એને મળે ઉજાસ.
વૈશાખે લીમડે ફૂટી કૂંપળ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખફરી ક્યાં છે?આગલો લેખ →ઊંઘ ક્યાં?